હે ગુજરાતી યુવતી! માતૃભાષા તારા ભરોસે
ગુજરાતી ભાષા જો માતા જાણતી હશે તો જ બાળક ગુજરાતી જાણશે
આજે એક અંગ્રેજ અર્થશાસ્ત્રી તેના લંડનના આર્થિક અખબારમાં રવીન્દ્રનાથ ટાગોરને યાદ કરે છે. ટાગોરે ભારત, ચીન ને જાપાનમાં ફરીને વેસ્ટર્ન મટિરિયાલિઝમ (પશ્વિમનો ભૌતિકવાદ) સામે મોરચો કરવા ઇસ્ટર્ન સ્પિરિરયુઆલિઝમને જીવતું રાખવાની હાકલ કરી હતી.
આપણી આઘ્યાત્મિકતા, સંસ્કૃતિ અને માતૃભાષા જિવાડવાની વધુ ફરજ આપણે ગુજરાત પૂરતી ગુજરાતી કન્યા ઉપર નાખીએ. દેવલાલીમાં એક નોન રેસિડન્ટ ઇન્ડિયન ગુજરાતી દીપક પારેખ, જે કેલિફોર્નિયામાં મોટા કન્સ્ટ્રકશન કન્સલ્ટન્ટ છે. તેમણે ચોંકાવનારો કહો કે હાસ્યાપદ, ચિંતાજનક કહો તેવો ટૂચકો કહ્યો. અમેરિકામાં જ જન્મીને ઉછરેલા ગુજરાતી બાળકે તેની મમ્મીને પૂછયું ‘મમ્મી પપ્પા ઓલવેયઝ ટેલ્સ યુ ગાંડી. ટેલ મી વ્હોટ ઈઝ ગાંડી. આપણા ગુજરાતી અને ખાસ કરીને કાઠિયાવાડના કુટુંબોમાં વાતવાતમાં એક ઉદ્ગાર તરીકે (ગાળ તરીકે નહીં) પત્નીને કે ઈવન દીકરીને ‘ગાંડી’ કહીએ છીએ.
જયારે એક ગુજરાતી યુગલનો પુત્ર ‘ગાંડી’ શબ્દનો અર્થ જાણતો નથી તે વાત દીપક પારેખ અને કેલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓએ જાણી ત્યારે બોઇંગ્ટન બીચ નામના ગામના હિન્દુ મંદિરમાં ગુજરાતી ભાષા શીખવવાના વર્ગ કક્કાબારાખડીથી શરૂ કર્યા. રોજ ૧૫ બાળકો ગુજરાતી શીખવા આવે છે.
મંદિરમાં અને ઘરે ઘરે ગુજરાતી પુસ્તકોની લાઇબ્રેરી રાખવા ઝુંબેશ ઉપાડી છે. કેલિફોર્નિયા કે ન્યૂ યોર્કની વાત જવા દો, આજે કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં વસતા ગુજરાતી બાળકો ઓછું ને ઓછું ગુજરાતી જાણે છે. જૂની સંસ્કૃતિ જાળવવાનું મોટું કામ ચીન કરે છે. સ્પેનિશ ભાષાને અમેરિકા વસતા ૩ કરોડ સ્પેનિશ લોકો વળગી રહ્યા છે.
ખાનપાનની ટેવો અને પોતાની ચીની સંસ્કૃતિ ચીનાઓ છોડતો નથી. ‘ચીની ભરવાડ’ ગાયોને દોહતો હોય તે જોવા હોંગકોંગના બાળકોને લઈ જવાય છે. સ્કૂલનાં બાળકો ગામડાનું ફાર્મ જુએ છે. ગાયને દોહવાની પ્રેકિટસ કરે છે. ગામડાની ભાષા શીખે છે. આમાંનું ઘણું ચીની ગામડિયાપણું ચીની છોકરીઓને શીખવે છે. ચીનાઓ માને છે કે જૂની સંસ્કૃતિ અને ભાષા જાળવવાની જવાબદારી સ્ત્રી જ સારી રીતે શીખવી શકે છે.
મલેશિયાની સરકારે પણ મલેશિયામાં મલય સ્ત્રીઓ કેવાં ઘરકામ કરે છે? ઘરે બેસીને કેમ કમાય છે તે જોવા અને ભૂવાઓ ભૂતને કેમ ભગાડે છે તે જોવા નાનાં બાળકોને ગામડે લઈ જાય છે- આ ગામડાની સંસ્કૃતિ જોવાનો ટૂરિસ્ટ ઉધોગ ખીલ્યો છે. મલેશિયાની મલય ભાષાને સરકારે અને મલય સ્ત્રીઓએ જીવતી જ નહીં ધબકતી રાખી છે.
અમદાવાદ કે મુંબઈના મેરેજ બ્યૂરોનાં સંમેલનોમાં નોન રેસિડન્ટ મુરતિયા કન્યા જોવા આવે છે, અમેરિકામાં વસતી કન્યા ભારતીય મુરતિયા જોવા આવે છે. સૌપ્રથમ તો ગુજરાતી કન્યા પરણીને અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે બ્રિટન કે કેન્યા- આફ્રિકા જાય તે પોતાની જ માતૃભૂમિની મોટી ફરજ સાથે લેતી જાય.
પોતે જ ગુજરાતી વધુ શીખીને અને ગુજરાતી લેખકોની બાળવાર્તા કે નવલકથાઓનાં પુસ્તકો કરિયાવરમાં પરદેશ લઈ જાય અને તેનો એનઆરઆઈ પતિ પછીથી પત્નીને બુડથલ,ગાંડી,વેતા વગરની વગેરે વિશેષણોથી નવાજતા ચાર વખત વિચાર કરશે, કારણ કે ગુજરાતી કન્યાએ તેના પુત્ર કે પુત્રીને ગુજરાતી શીખવી દીધું હશે.
ગુજરાતી કન્યા પરણીને જાય ત્યારે રીંગણાનો ઓળો બાજરાનો રોટલો, મેથીનું બુડથલ, હાંડવા કે ઢોકળાં કે ઊધિયું શીખીને જાય છે. ગુજરાતી માતાએ પુત્રીને જ નહીં પણ પુત્રોએ પણ રસોઈ શીખવી જોઈશે. ૨૦૧૫નું અર્થતંત્ર એવું હશે કે સ્ત્રીને જલદીથી નોકરી મળશે. પુરુષે ગૃહોણો બનવું પડશે. ગુજરાતણ એકિઝકયુટિવ બનશે ત્યારે પિતાએ બાળકને ગુજરાતી શીખવવું પડશે.
જાપાન તેની સંસ્કૃતિ અને કષિની જૂની પદ્ધતિને જીવતી રાખે છે. થાઇલેન્ડનાં ગામડાંમાં ચોખાની અનેક વાનગી રંધાય છે તે જોવા અને શીખવવા તેમજ ગામડાંના ફળનો સ્વાદ લેવા બેંગકોકથી છોકરીછોકરાને લઈ જવાય છે. ‘જો કૂવામાં હશે તો અવાડામાં આવશે.’ ગુજરાતી ભાષા જો માતા જાણતી હશે તો જ બાળક ગુજરાતી જાણશે.
પોપ્યુલેશન એકસપર્ટ કહે છે કે ભારતમાં ૧૦૦૦ પુરુષદીઠ ૯૩૦ મહિલા છે. આમ એનઆરઆઈ મુરતિયો કે દેશી મુરતિયો કાળક્રમે છોકરીને અભાવે કુંવારો કે વાંઢો ઠઠયો રહે તેવા દિવસો આવશે એટલે માત્ર આશ્વાસન કે રૂઢિ ખાતર પુત્રી અવતરે ત્યારે લક્ષ્મી પધાયાô તેવી વાત ઉપરછલ્લી ન કરે ખરેખર પુત્રીની વાંરછના રાખીને લક્ષ્મી પધારી છે તે રીતે પુત્રીને અણમોલ મિલકત માને.
એ દ્રષ્ટિએ કે આ પુત્રી જ પરણીને પરદેશમાં ભારતીય સંસ્કૃતિની છડીદાર બનશે. ગુજરાતી ભાષાને સ્ત્રી અને સ્ત્રી જ માત્ર જીવતી રાખી શકશે. ટાગોર હોલમાં ૨૫મી શુક્રવારે વિદેશ કે દેશની ગુજરાતી કન્યા પોતે ગુજરાતી ભાષા જ ઘરમાં બોલવાનો આગ્રહ રાખે. ‘રસોઈ આવડે છે?’ એવા પ્રશ્નને બદલે ગુજરાતી સાહિત્ય વાંરયું છે? કેટલાં પુસ્તકો વાંરયા છે? તેવા સવાલ પૂછે.
ભારતમાં ગુજરાતીની વસતિ કુલ વસતિના પાંચ ટકા જ છે પણ આપણે જગતભરમાં ફરી વળ્યા છીએ. અમેરિકામાં જે ભારતીઓની વસતિ છે તેમાં ખાસ્સા ૨૦ ટકા ગુજરાતી છે. આ ગુજરાતીઓનો ઇકોનોમિક કલાઉટ (આર્થિક પ્રભાવ) ‘સુપ્રીમ’ છે.
એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશનના તમામ સભ્યો ૪૦ અબજ ડોલરનો હોટેલ-મોટલ ઉધોગ ચલાવે છે. તેમાં ૧૭૦૦૦ હોટેલો મોટા ભાગની ગુજરાતીઓની છે. ડોકટરી, એન્જિનિયરિંગ,નર્સિંગ વગેરે તમામમાં આપણે અવ્વલ છીએ. ર લાખની અમેરિકાની ભારતીય પ્રજાની વસતિમાં ૧૪૦૦૦૦ પટેલો છે. ‘પટલાણીઓ’ને ધન્યવાદ છે કે ગુજરાતી ભાષા જીવતી રાખે છે.
અમેરિકાના પટેલો અમરેલી, જૂનાગઢ કે જામનગર કે રાજ્યના બીજા કોઈ વિસ્તારની પટેલ કન્યાને પસંદગી આપીને પરણીને લાવે છે, જે ગુજરાતી ભાષાને જિવાડે છે. લંડનના પોલ બિગ્નેલ નામના ભાષાશાસ્ત્રી કહે છે કે જગતમાં ૬૫૦૦ જેટલી બોલીમાંથી આ સદીના અંતે ૫૦ ટકા મરી જશે. ગુજરાતી એ કોઈ ‘બોલી’ નથી સંપૂર્ણ ભાષા છે. તે ભાષા મરવી ન જોઈએ.
યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજને ધન્યવાદ ઘટે છે કે મરી રહેલી ભાષાને જીવતી રાખવા નેપાળથી માંડીને ગ્વાટેમાલાની અમુક ભાષાને જીવતી રાખવા-તે ભાષાની કવિતાઓને અને વાર્તાને જીવતી રાખવાએ ટેપ બનાવે છે. નેશનલ જયોગ્રાફિકના આંકડા પ્રમાણે દર બે સપ્તાહે જગતમાં એક ભાષા મરી જાય છે.
ભારતમાં તે હિસાબે ૧૧ ભાષા મરે છે. ગુજરાતીની આવી હાલત નહીં જ થાય. કયારે હૈયાધારણ રહેશે? જયારે સાસરે જતાં પહેલાં (મુંબઈમાં કે ન્યૂ યોર્કમાં) ગુજરાતી કન્યા પોતે જ ગુજરાતી પુસ્તકો કરિયાવરમાં લઈ જશે અને પોતે ગૃહમાતા-ગૃહશિક્ષિકા (ગુજરાતી) બનવાનો સંકલ્પ કરશે ત્યારે. તથાસ્તુ
No comments:
Post a Comment